ચેલૈયો

ચૈલૈયો  (નૃત્યનાટિકા)

- નિરંજન ભગત (શારદામંદિર શાળા માટે) 

 

રૂડા ચંદરવા બંધાવો, મીઠી શરણાઈઓ ઘૂંટાવો

રંગે મૃદંગ નાદ ગજાવો - દેવે

સૂનાં પારણિયાં કીધાં ઝૂલતાં.

 

લાવો ઝાંઝ ને પખાજ, લાવો સામૈયાના સાજ

ગાઓ ઉત્સવ કેરાં ગાન - દેવે

સૂનાં પારણિયાં કીધાં ઝૂલતાં.

 

ઓઢી ધરતીએ રંગ ભીની ચૂંદડી

વગડે પહેર્યા વાઘાંને પહેરી પાઘડી

વેણું વાયુ વગાડે ભમરા સેલતા - રે.

હોંશે ફાગણિયો ફાગ સહુ ખેલતાં - રૂડા.

હે... હૈયા ખરલે આનંદ રંગ ઘોળો,

મોઘાં આયખાને એમાં ઝબોળો.

 

હે... જોબનિયે માંડ્યો છે મેળો,

ઉડી જાય તે મૌર ખૂબ ખેલો, - રૂડા.

 

એન ઘેન દીવા ઘેન, સેાના ઘેાડો રૂપા રેણ,

કોણે આંગળી મૂકી છે? તારા મનમાં કોણ છે?

દહીંનો ઘોડો પાણી પીતો, રમતો જમતો – રૂમઝુમ કરતો,

હાથમાં લાકડી, કમર કાકડી, માથે મોરો પેાપટ લાકડી,

ઝલાય તે ઝાલી લેજો... (૨)

 

અમારી આંખોના તારા, કુંવર ચેલૈયાને ખમ્મા ખમ્મા,

પ્રાણથીયે વધુ એ વધુ પ્યારા ચેલૈયાને ખમ્મા ખમ્મા,

પગલીના પાડનારા, લગની લગાડનારા, ચેલૈયાને ખમ્મા ખમ્મા,

અમારી આંખોના તારા...

 

ધન્ય તાત સગાળશા, ધન્ય માતા ચંગા, ઉતરી આવી છે અહીં,

ઘેર બેઠે ગંગા...

 

બાળ રાજા હઠ તે શું હોય કાંઈ આવડી ? નહીં નહીં નહીં રે,

જમું મેારી માવડી, બાળરાજા...

 

મને આવે છે પેટમાં ચૂંક (૨) સ્વાદ કેવો કહું, હાક થૂ...

કહો જો હવે તો ચૂમું, તમારી હું પાવડી,

નહીં... નહીં... બાળરાજા...

તમે સાથે જમો તો હું જમું (૨) વ્હાલ મને લાગે તમારૂં વસમું (૨)

તમે જમો છો કે ઝાલું હું, તમારી હવે બાવડી,

નહીં... નહીં... બાળરાજા...

 

મેં તો લીધા છે લાખેણો નેમ, હો છેલ, છોડું તમારે કારણે,

કેમ રે હોજી...

 

નિત નોતરીએ સાધુ બાવા, એને જમાડીને પછી ખાવા,

એથી રામજીની રહી છે રહેમ, હો છેલ, છોડુ તમારે, કારણે,

કેમ રે હોજી...

 

મને સાદાં તે ધાન ના ભાવે, બાપુ મેવા મિઠાઇના લાવે,

જોયો જોયો, તમારો પ્રેમ,

 

હો છેલ છોડું તમારે કારણે, કેમ રે હોજી..

લાલ તમે લજવો નિત નવું નવું, નાટક ભજવો...

ગામ આખું કરે ફરિયાદ, સુણો શાળાના ઘંટનો નાદ,

ત્યાંય તમારા ગુરૂજીને પજવો... લાલ તમે...

 

છોકરા રે... ઓ રે.... એક વાત કહું કે?

છોડીઓ રે... ઓ રે... એક વાત કહું કે?

એક હતો કોઢિયો, કુલ પથારી પોઢિયો, સૂની સીમે મંદિરમાં વાસ,

અંગથી વહેતો સુગંધ ચોપાસ, એ તો ગાંજો ચરસ નિત ઘોળે,

કંઈ અગડં બગડં બોલે,

પગ લગી પહેરતો તંગડો એ તે બેઉ પગે લાગે લંગડો,

એક આંખે દેખાય દોઢિયો, એક હતો કોઠિયો, કુલ પથારી પોઢિયો.

 

કયાં ગયો ચેલૈયો?

નટખટ નો, તો આવો નંદજીનો છૈયો, એના વિના કોની કને આરતી

કરાવશું? આરતી વિના તે થાળ કયાંથી ધરાવશું? આવશે તો એને

હવે દેશું રે ડૈયો... કયાં ગયો...

 

આ રહ્યો ચેલૈયો, તાતા તત, થૈયો તત, થૈયો તત, થૈયો,

રાતા મ થૈયો, આ રહ્યો ચેલૈયો...

 

આવડો શું લાગ્યો ચટકો ચેલૈયો? વાટે ને ઘાટે ભટકે,

નથી માતા તમારી વારતી, બહુ મોડું થયું છે લો આરતી,

હવે વારું છું આટલેથી અટકો ચેલૈયો, વાટેને ઘાટે ભટકો -આવડો શું

તમને નહીં મળે મેવો, ફરતાં ફરવાનો, મેાડું કરવાનો, દંડ આજે દેવે...

મારે નથી લેવો, જોયો જોયો તમારો મેવો, અમે અમથી ઉતારીશું આરતી,

મને છોને સરસ્વતી મારતી, તમે એકલા એકલા સેવો, મારે નથી લેવો.

 

તમે લટક મટક લટકાળા લાલ, સૌના લાડકવાયા, કુંવર કેલૈયા..

તમે ચિત્તને નિત ચટકાળા લાલ, સૌના લાડકવાયા, કુંવર કેલૈયા,

મખમલની મેાજડી, જામો જરી તણો જે કોરોજી,

કંઠ અછોડો, કાંડે કલ્લી, કેડ પરે કદોરો જી. તમે લટક મટક ...

લાલ તમે હૈયે હૈયે પ્રેરો વ્હાલ, લાલ તમે ઘેરો સૌને થઈ ગુલાલ,

જનમ દિવસની આશીષ તમને, દઈએ જુગ જુગ જીવોજી,

ધન્ય તમારા માત-પિતા આ, પ્રગટ્યો કુળમાં દીવો જી.

તમે જુગ જુગ જીવોજી.

 

દુ:ખનાં ઘેરાં વાદળ ઘેરાયાં, પ્રચંડ ગર્જન વિશ્વ વિસર્જન,

વિદ્યુત કેરા અટ્ટહાસ્ય વેરાયાં, દુઃખનાં...

શોધી વળ્યા શેરી શેરી, શેાધ્યા મઠ, મંદિરને દેરી,

કયાંય નગરમાં નજરે ચડે નહિ, સાધુ કે સંન્યાસી...

 

સગાળશાને ચંગાવતી છે, આઠ દિવસના ઉપવાસી,

આજ વરતનાં પ્રભુ પારખાં, કરવા પ્રેરાયા દુ:ખના...

ઘર ઘર છાયો શોક નગરમાં, ઘર ઘર છાયો શોક,

વાત બીજી એકે નહીં ચૌટે, ચોક નગરમાં

અમે કેમ રે કરાવીએ પારણાં? લઈ અભ્યાગતનાં ઓવારણાં,

વાત બીજી એકે નહીં ચૌટે ચોક નગરમાં,

વાતે વળી વળી લેાક પૂછે, સાધુ સાંપડયા? આંખ લૂછે,

કરે ચિંતા ચેલૈયો,

 

આ શું છે ? - આ શું છે? આ શું છે?

કોઇ પૂછે તો કહીએ, બાકી સાધુ સાધુને સાદ, સુણીને રહીએ-કોઈ...

ઉગમણી ગામનું છે મંદિર જૂનું, એમાં નથી પૂજારી, નથી દેવ,

એ સાવ સૂનું સૂનું,

 

અમે કોઇ કોઈ વાર ત્યાં જઇએ હોજી - કોઈ...

એમાં જોયો છે એક, કોઢિયો બાવો,

ખ૫ રે લાગે તો ઝટ, જાઓ અને લાવો,

અમે અહિંયા જોવાનો લ્હાવો, લઈએ હોજી - કોઈ...

 

દીધી કુંવર ચેલૈયે વધામણી રે, પ્રભુ કરશે હવે પધરાવણી રે,

સૌ સાધુનાં આદરો સામૈયાં, કરે મેહુલાને કહેજો ખમૈયા,

ઘડી આજની ઉગી રળિયામણી રે, પ્રભુ કરશે હવે પધરામણી..

 

પ્રભુ મારું આંગણ કરો પાવન, ભાવે ભોજન કરો મન ભાવન, પ્રભુ.

હું તો અઘોરી આવી શું રે કરૂં? આવું તો નક્કી હું ભૂખે મરૂં,

છોને પકવાન (૨) તેં હો કીધા બાવન - પ્રભુ...

તમે ન જાણો પ્રભુ, અમારૂ વ્રત, પ્રભુ અમારૂ વ્રત,

જાતે આવીને પ્રભુ પારખજો સત, પ્રભુ પારખજો સત,

સુણો લાચારની આ એક જ લાવન, પ્રભુ...

પગે ચાલીને હું તો નહીં રે આવું,

કહો તો પાલખી હું હમણાં મંગાવું, સૂકો જતો’તો મારો સારો શ્રાવણ,

 

હવે ચૈ થૈ લીલા લ્હેર, પ્રભુ પધાર્યાં છે ઘેર,...(૨)

ઓ... અંતરના લઇએ એવારણાં, ઓ... ઉપવાસી કરશે હવે પારણાં,

કીધી સાધુ મહારાજે મહેર રે...(૨) આલાપ..(૨) હવે થૈ થૈ...

ઓ ઉત્સવનાં સાજે સજાવીએ. ઓ... આજ ઠેર ઠેર મંગળ

મનાવીએ, આલાપ...(૨) હવે થૈ થૈ...

 

ધીનક ના ધીન ધીના ધીના, ધીનકના ધીન ધીના,

ધુમત્તત્ત ત્તત્ત તીધ્ધા દીગ દીગ થૈ તામ - હવે થૈ...

 

દયાળુ ઓ દેવા, મીઠાં રે આરોગો તમે મનગમતા મેવા,

ઉના તે જળથી સ્નાન કરો રે, ચંદન ચરચું અંગ,

વીંઝણે ઢાળું હું તેા વાયરો રે, ઢાળું હું પોઢવા પલંગ,

મહેર કીધી મોટી, કરૂં શી પેર સેવા, દયાળુ ઓ દેવા,…

મેવા અમને ના ખપે ભાઈ, મેવા અમને ના ખપે,

અન્નથી અમારૂં અંગ આખું યે તપે તપે મેવા અમને..

અમને પાછા મેલી આવો, લઈ લીધો અમે લ્હાવો,

માટીનો આહાર ખાવો, અમને પાછા મેલી આવો,

આય નથી ત્યારે અમથી, એવા સેવા શીદને જપે, મેવા...

આરોગો આ થાળ, પાયે પડું દીન રે દયાળ,

હઠ તે શું આવી કાંઈ હોય, એતો મારા ચેલૈયાને સ્હોય, આરોગો...

તમને રાજી રાખું રાજ – (૨) મેલું મરજાદ હું તો મેલું લોકલાજ,

તમને રાજી રાખું રાજ...

 

કસાઇ વાડે જઈ આવું, તાજું માંસ લઈ આવું,

કપરી કસોટી મારી ભલે થતી આજ, તમને રાજી...

(શેઠ રસ્તા પર જાય છે પાછા આવે છે.)

દયાળુ એ દેવા – મીઠા રે આરોગો તમે, મનગમતાં ભોજન,

અમે એક રીતે રાજી રે ભાઈ, એક રીતે રાજી,

બજારુ નહિ માનવીની માટી ધરો તાજી, એક રીતે...

ઘરમાં નથી નાનું બાળ? એની રે માટીનો થાળ, આપો લઈએ તત્કાળ...

નહીં તો પાછા મેલી આવા જોયા તમને પાજી...અમે એક રીતે...

 

આ શો હશે સંકેત રે? કસાટીએ ચડ્યું મારું વરત કે હેત રે! આ શો..

સાચું એક જ હેમ રે જગમાં, જનેતાનો પ્રેમ,

એમાં કથીરનો હોય, કર્યાથી વ્હેમ...(૨) આ શા...

આ તો મારૂં વ્રત, એનું પરખાતું સત,

જાઓ ચેલૈયાને લાવો તરત તમે, જાઓ...

પાંણોએ પીગળશે રે એને જોતાં વેંત રે, આ શો...

 

સગાળશા શેઠ, સગાળશા શેઠ, કોઈ દિ,' નહિ ને, આજે આવ્યા,

આવ્યા અહિંયા ઠેઠ, સગાળશા શેઠ...

આ તો સપનું કે સાચું? શેઠ કહો તમને હું... જાચું,

આમાં ઉંડો ભેદ વાંચું, શેઠ કહો તમને હું... જાચું,

કેલૈયાને કેળવું છું મારા પુતર પેઠ, સગાળશા શેઠ....

ચાલો મારા લાલ, (૨) તમને તેડાવે છે કાળ, ચાલોને ચાલો મારા લાલ

સાધુજન માગે છે તે તમારો જ ભોગ, માતપિતા હણે બાળ કેવા રે સંજોગ.

હંમેશના હવે થાશે ભેરૂથી વિયોગ, – ૨, દઈ દો છેલ્લું છેલ્લું વ્હાલ,

ચાલો મારા લાલ.

 

એ તો ભામટાના બોલ – (૨) ભેાળા તમે કરો એનો આવડો કાં તોલ?

મને તો એ ધૂતારો જણાય, એના બાલ કેવું રે ગણાય?

પિતા હાથે પુતર જો હણાય, એ તો કેવું રે ગણાય?

પાછા ફરો શેઠ જઇ ફોક કરો બોલ, એ તો ભામટા...

 

ભાગ અલ્યા ભાગ, ચેલૈયા ભાગ હવે ભાગ,

નહીં બીજો મળે લાગ, ચેલૈયા ભાગ હવે ભાગ,

આ તો બાપ કે કસાઈ? તારી તો અક્કલ નથી ગઈ? ભાગ અલ્યા..

 

માટીને શો મોહ - આવડો તે માટીનો શો મોહ,

પિતા, નહીં કરૂં હું દ્રોહ રે, આવડો તે માટીનો શો મોહ,

મોટો મેરુ જેવા મેરુ ભલે ચળે, નદીયાના અવનીર ભલેને પાછા ફરે, કાઢયું એક જ વેણ, સતવાદી નહીં ફરે, માટીના શો મોહ, આવડો તે.

 

ચેલૈયા, કળી સમી કોમળ તારી કાય, એને ચૂંટતાં તો જીવ રે ચૂંટાય,

તું છો ચેલૈયાની માડી, તને મમતા આવે આડી, ચેલૈયા કળી...

આથી ભલે વાંઝિયા રે આવા નહીં દાઝિયા,

પંડે હોમું અગની માંય, ચેલૈયા ... કળી...

 

આ તને નથી શે।ભતું, એ મને શે મા લાભતું? ના જરી હવે થોભ તું,

મને ખાંડણિયે દે ખાંડી, માડી મને - ખાંડણિયે દે ખાંડી (૩)

મારે હાલરડે હડતાલ રે, કુંવર ચેલૈયા, તને ખમ્મા ખમ્મા,

મારી ચાખડીના ચડનાર રે, કુંવર ચેલૈયા, તને ખમ્મા ખમ્મા,

ભાઈ મરે ભવ હારીએ, ને બે'ની મરે દશ જાય,

પણ નાનપણમાં જેના માવતર મરે રે, એને ચૌ-દશના વાયરા વાય રે,

ઘર ભાંગ્યું તો ભલે ભાંગ્યું પણ કાં ભાંગ્યો ઘરનો મોભ?

જેનો મરે પાટવી દીકરો રે, એને જનમો જનમનો શોક રે...

મેં તો જાણ્યું ચેલૈયો પરણાવશું, એની જાડેરી જોડીશું જાન,

પણ ઓચિંતા તેડાં આવિયાં રે, એને આવ્યાં સ્વર્ગથી વિમાન રે,

 

ભોજન પીરસ્યાં રે, મનગમતાં, તોયે તમે હજુ યે નથી જમતાં,

પેાયણા વિનાનું જેવું પંક, એવા રે અમે તો હવે રંક,

સાવ રે સૂનો જુઓ આ અંક, હવે તે ઉર ધરો કંઈ મમત,

શીદને વાંઝિયાનું ખાવું? મારે નરકે નથી જાવું,

નહીં રે સાંખું તારૂં, વાંઝિયા મેણું, હું તો નહીં સાંખું,

મારો કુંવર ચેલૈયો તો અમર છે, મારી કૂખે ફરી ફરી અવતરશે,

જરી સામું જો ધીર પછી ધરજે, મારા સતથી હું સ્નેહ જીવંત રાખું,

નહીં રે સાંખું તારૂં, વાંઝિયા મેણું, નહી...

 

કુંવર ખેલંતો આવ્યો સૌના મનડાંને ભાવ્યો રે,

આજ અમર ચેલૈયો નામ રે

 

 

- નિરંજન ભગત (શારદામંદિર શાળા માટે, આશરે ૧૯૫૦) 

* * *