ત્રીજો નિરંજન ભગત સ્મારક પુરસ્કાર ગુજરાતીના અગ્રગણ્ય વિવેચક રમણ સોનીને આપવામાં આવશે. આ મુજબની જાહેરાત ૧લી ફેબ્રુઆરી, નિરંજન ભગતની પાંચમી પુણ્યતિથીના રોજ યોજાયેલા નિરંજન ભગત સ્મારક વ્યાખ્યાનમાં કરવામાં આવી હતી.
પુરસ્કારની અર્પણવિધિ, ૧૮મી મે (2023), નિરંજન ભગતના ૯૭મા જન્મદિવસે યોજાનારા ખાસ સમારંભમાં કરવામાં આવશે. આ પહેલાં ત્રિદીપ સુહૃદ અને હરીશ મીનાશ્રુને આ પુરસ્કાર આપવામાં આવ્યો છે. પુરસ્કારમાં પ્રશસ્તિ-નોંધ સાથે રૂ. ૧૦૦,૦૦૦/-નો ચેક અર્પણ થશે.
રમણ સોની:
લગભગ ચાર દાયકા સુધી ગુજરાતી ભાષા-સાહિત્યના મહારાજા સયાજીરાવ અને અન્ય યુનીવર્સીટીમાં અધ્યાપક રહી ચૂકેલા, વડોદરા-સ્થિત રમણ સોનીનું સાહિત્યના અનેક
પ્રકારોમાં અર્થપૂર્ણ પ્રદાન છે. રમણ સોની સર્વ પ્રથમ એક તટસ્થ અને સ્પષ્ટવક્તા વિવેચક છે. તદુપરાંત જ્ઞાનકોશ, એટલે કે એન્સાયક્લોપિડીઆ, અનુવાદ, સંપાદન અને સાંસ્કૃતિક અભ્યાસ તેમના રસના વિષયો છે. એક છેડે નરસિંહ મહેતા, તો બીજે છેડે જાપાનીઝ નવલકથા તોત્તોચાન અને ત્રીજે છેડે સ્વીસ ટૂંકી વાર્તાઓ – આ બધું જ તેમની કલમે પોંખાયું છે. ‘પ્રત્યક્ષ’ જેવાં પ્રતિષ્ઠિત સામયિકનું તેમણે ૨૫થી અધિક વર્ષ સુધી સંપાદન કર્યું હતું અને છેલ્લા ૯ વર્ષથી અમેરિકા-સ્થિત એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રગટ થતા ઈ-જર્નલ ‘સંચયન’નું તેઓ સંપાદન કરી રહ્યા છે.
હરીશ મીનશ્રુને એવોર્ડ – 18-05-2021
https://youtu.be/BTuZ-QBZCRo
ત્રિદીપ સુહ્રદને એવોર્ડ – 18-05-2019
https://youtu.be/7AssHe88Lso
(2021) નિરંજન ભગતના નામે એક અનિયતકાલીન એવોર્ડ શરૂ કરવામાં આવ્યો છે. ગુજરાતી ભાષા અને સાહિત્યમાં ચીલાચાતરુ યોગદાન આપનારી પ્રતિભાને આ એવોર્ડ આપવામાં આવે છે. આજ સુધી બે વ્યક્તિને આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અનુવાદક તરીકે મહત્વનું કાર્ય તથા ગાંધી સાહિત્યમાં વિશિષ્ટ સંશોધન કાર્ય માટે ત્રિદીપ સુહ્રદને તથા ગુજરાતી કવિતામાં આગવું પ્રદાન કરનારા કવિ હરીશ મીનશ્રુને એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યાં છે.